સ્વામીશ્રીની અપાર ધીરજ

pramukh swami

મુંબઈથી એક યુવાન સ્વામીશ્રીનાં દર્શને આવ્યો હતો. સ્વામીશ્રી આ પહેલાં પણ એને ઘણી વખત મળી ચૂક્યા હતા. હજી ફૂટું ફૂટું થઈ રહેલી યુવાની હોવા છતાં એ વિચારોથી પાછો પડતો જતો હતો. ભગવાનમાંથી શ્રદ્ધા ગુમાવતો જતો હતો. સ્વામીશ્રી સમક્ષ પોતાની વરાળ ઠાલવતાં એણે કહ્યું :
” મને વિચારો ખૂબ જ આવે છે. ઠરીને બેસાતું નથી. મનમાં જે વિચાર આવે એ તાત્કાલિક કરી નાખવાનું મન થઈ જાય છે. વિચારોને બંધ નથી કરી શકતો.”
સ્વામીશ્રીએ ઘૂંટણિયાભેર બેઠેલા આ યુવાનની બધી જ વાતો શાંતિથી સાંભળી. 
ત્યારપછી શાંતિથી એને સમજાવતાં કહેઃ ” સૌથી પહેલાં તો તારી ભગવાનમાં શ્રદ્ધા તૂટી ગઈ છે એટલે મનના વેગ પ્રમાણે વર્તે છે. કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિરતા રાખવી જોઈએ અને આગળ આવવું હોય તો કશુંય તાત્કાલિક થતું નથી હોતું. ધીરજ રાખવી જોઈએ. કોઈ પણ કામ એકદમ થતું નથી. તારે ધંધો કરવો હોય અને એ તું શરૂ કરે અને તરત જ કરોડ રૂપિયા મળી જાય છે ? પહેલાં તો ઘણું બધું એમાં ઇન્વેસ્ટ કરવું પડે, પછી એની પાછળ પુરુષાર્થ કરવો પડે ત્યારે મળે છે. નિશાળે બેઠો અને તરત ઓછુ ડાક્ટર થઈ જવાય છે ? ધીરજ રાખવી પડે, મહેનત કરવી પડે. ઝડપથી કરવામાં નુકસાન જ થાય. જે પ્રમાણે એનો પ્રોસેસ થતો હોય તે કરવો જ પડે. એકદમ કાંઈ જ ફળ મળતું નથી.”

સ્વામીશ્રી એને પ્રેમથી સમજાવી રહ્યા હતા, પરંતુ સ્વામીશ્રીનાં આ વાક્યો સાંભળવા કરતાં એ પોતાના જ વિચારોના ચક્કરમાં હોય એવું એનું વર્તન હતું.

એણે કહ્યું, ‘મારે ભણવું છે, પણ…’
એણે વાક્ય અધૂરું મૂકી દીધું, બાકીનું બધું જ સ્વામીશ્રીએ સમજવાનું હતું.
એને મૂળ પરદેશમાં જઈને ભણવું હતું. એના પિતાશ્રીએ એને પરદેશમાં ભણવા માટેનો બંદોબસ્ત પણ કર્યો હતો, પરંતુ ભગવાનનું કરવું એવું કે અહીં પિતાજીનો ધંધો ઠપ્પ થવા લાગ્યો અને પેલી બાજુ વિચારોના વેગને લીધે આ યુવાન ભણી ન શક્યો. ફીના પૈસા ઉપજાવી ન શક્યો અને એને થોડાક જ ગાળામાં પાછુ આવવું પડ્યું. આ પરિસ્થિતિને લીધે એ વિશેષ હતાશ થઈ ગયો. સ્વામીશ્રીને આ બેકગ્રાઉન્ડની ખબર હતી. એટલે એને સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું : ‘તું ભણવા જા એની અમને ના નથી, પણ પહેલાં વિચાર કર કે ક્યાં રહીશ અને ભણવા માટેના પૈસા ક્યાંથી મેળવીશ? તારા પિતાશ્રીએ પરિસ્થિતિ સારી હતી ત્યાં સુધી તને ભણાવ્યો પણ ખરો. એને તને ન ભણાવવો એવું કશું છે જ નહીં, પણ હવે વાત જુ દી છે. એ વખતે થોડુંક વિચાર કરીને જવું.’

પેલા યુવકે સ્વામીશ્રીને કહ્યું : ‘હું પાંચ વર્ષથી ભણ્યો જ નથી. અમેરિકાનું મારું ન થયું. લંડનનું થયું, પણ પાછુ આવવું પડ્યું, કારણ કે પૈસા ન હતા.’

આ સાંભળતાં જ સ્વામીશ્રી એને કહે : ‘હું તને એ જ વિચાર કરવાનું કહું છુ. પરદેશમાં તો પરિસ્થિતિ એવી છે કે સગા હોય એ પણ બેપાંચ દહાડા જ રાખે, બાકી કોઈ રાખતું જ નથી. તો પરિસ્થિતિ પ્રમાણે ભણવાનો વિચાર કરવો. આપણી પરિસ્થિતિ ન હોય તો એની એ જ વસ્તુ અહીં દેશમાં પણ ભણી શકાય છે.’
સ્વામીશ્રીના આ પ્રસ્તાવને તો અત્યંત વેગપૂર્વક ઠુકરાવતો હોય એમ પેલો યુવક કહે : ‘દેશમાં તો હું ક્યારેય નહીં ભણું.’
‘કેમ ?’ સ્વામીશ્રીએ પૂછયું.
‘મારા સાથેના મિત્રો પાંચ વર્ષ પહેલાં સેટલ થઈ ગયા છે અને હવે અહીં જો હું ભણવા બેસું તો તો મારું કેવું લાગે ? મારું મન જ આમાં બળવો પોકારે. મારાથી કોઈ દહાડે અહીં નહીં ભણાય.’

આ સાંભળીને સ્વામીશ્રી કહે : ‘ભલા માણસ! લોકોનું જોઈને જીવવાનું નથી. વાસ્તવિકતાનો વિચાર કર. તને ભણવાની અમે ના નથી પાડતા, પણ પરિસ્થિતિનો વિચાર કરીને પછી કર. મનમાં આવે અને કરી નાખવું એનો કોઈ અર્થ નથી અને બેસી રહેવાનો પણ કોઈ અર્થ નથી. તને ભણવાની અમે ના નથી પાડતા, પણ પહેલાં બધો જ વિચાર કરીને પછી કર.’
પેલો યુવક કહે : ‘હું અહીં ધંધો કરવા માગું છુ. એમાંથી પૈસા ભેગા થાય પછી મારે પરદેશમાં જઈને જ ભણવું છે.’
સ્વામીશ્રી કહે : ‘એમાં કાંઈ વાંધો નહીં. એ રીતે પણ તું ભણ, પણ એમ કરતાં બધી વ્યવસ્થા થતાં બેપાંચ વર્ષ નીકળી જાય તો એટલું મોડું થાય અને પછી તો વધારે હતાશ થવાનો વારો આવે.’
આ સાંભળીને તે કહે : ‘મારે ભણવું તો છે જ.’
‘એની અમે કાંઈ ના નથી કહેતા. અમે તો એટલું જ કહીએ છીએ કે પરિસ્થિતિનો વિચાર કરીને ભણજે.’ આટલું કહ્યા પછી સ્વામીશ્રી કહે : ‘એક વસ્તુમાં તને નિષ્ફળતા મળી એટલે હવે જાતજાતના વિચારો આવે છે, પણ જો ભગવાનમાં શ્રદ્ધા રાખીશ તો કોઈ જ જગ્યાએ વાંધો નહીં આવે.’
પેલા યુવકે કહ્યું :’ કઈ રીતે હું ભગવાનમાં શ્રદ્ધા રાખું ? મારી ઉંમર હજી વીસ વર્ષ જ છે અને વારંવાર મને નિષ્ફળતાઓ મળે છે.’

સ્વામીશ્રી કહે : ” શ્રદ્ધાનું નામ તો એ જ કહેવાય કે નિષ્ફળતા મળે તો પણ ભગવાનમાંથી વિશ્વાસ ન જાય. આ તો વિશ્વાસ ગયો એને લીધે તારા વિચારો પણ બગડ્યા અને એટલું જ નહીં, ભગવાનમાં શ્રદ્ધા ગુમાવવાથી તને શું ફાયદો થયો ? એ કહે.”

સ્વામીશ્રીએ સામે પ્રશ્ન કર્યો. પેલો યુવક કાંઈ બોલી ન શક્યો, એટલે સ્વામીશ્રી કહે : ‘ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી એને કારણે ઊલટું તું વ્યસનમાં વળગ્યો અને ખરાબ મિત્રોની સોબત થઈ. ગેરલાભ થયો. જો ભગવાનમાં શ્રદ્ધા રાખી હોત તો તારા હૃદયમાં પસ્તાવો પણ થાત કે હું આ ખોટું કરું છુ, અને પાછો પણ વળી શકત. ભલે કામ ન થાય, પણ ખરાબ લાઈનમાં જતા તો અટકી શકાય. માટે હવે ભગવાનમાં શ્રદ્ધા રાખજે, ધર્મશાસ્ત્રનું વાંચન કરજે, અને કોઈપણ પરિસ્થિતિમાં હતાશ થતો નહીં. અમારા ડા”ક્ટર સ્વામી પાંચ વખત ફેઈલ થયા પણ ભગવાનમાં શ્રદ્ધા રાખી તો પાર પડ્યા. એટલે હું એટલું જ કહું છુ કે સ્થિતિ પ્રમાણે વિચાર કરજે. પહેલાં સીધો જ ધંધો શરૂ ના કરતો. અહીં નોકરી કર. નોકરીથી તને વેપારમાં સૂઝ પડવા માંડશે અને ધંધો કઈ રીતે કરવો એ ખબર પડશે. એમ કરતાં કરતાં પછી ધીમે ધીમે ધંધો સેટ થાય. માટે એ રીતે વિચાર કરજે.’
સ્વામીશ્રીએ છેલ્લે એને કહ્યું : ‘પહેલા વિચારના વેગને ટાળવાનો તું વિચાર કર. નકારાત્મક વિચાર તું કાઢી નાખ. આ નકારાત્મક વિચાર રવિસભામાં જવાથી અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી જશે. ધર્મગ્રંથોનું વાંચન કર. તારા તો કુળમાં સત્સંગ છે. એટલે પહેલા એની શરૂઆત કરી દે. એટલે મન નવરું નહીં પડે અને ધીમે ધીમે સારા વિચારો આવવા માંડશે. અમે પણ પ્રાર્થના કરીશું.’

આમ, એક નાસીપાસ થયેલા અને નાસ્તિકતાને આરે પહોંચેલા વીસ વર્ષના યુવાનને સ્વામીશ્રીએ પુનઃ જીવન જીવવાની દિશામાં પ્રયાણ કરાવ્યું. સ્વામીશ્રીને આજે ઘણી બધી મિટિંગો કરવાની હોવા છતાં આ એક યુવક પાછળ અડધો કલાક ગાળ્યો. સ્વામીશ્રીની ધીરજને કોઈ સીમા નથી. 

(૨૭-૧૧-૨૦૦૪, બોચાસણ)

|| જય શ્રી સ્વામિનારાયણ ||

સ્વામીશ્રીની અપાર ધીરજ

by Govind Parmar time to read: <1 min
0